એચઆઈવીની મહામારીને કાબૂમાં લેવા માટે અમેરિકા સરકારે ઐતિહાસિક પગલું ભર્યું છે. અમેરિકાએ જાહેરાત કરી છે કે તે લેનાકાપાવિર (Lenacapavir) નામની નવી એન્ટીરેટ્રોવાયરલ દવામાં મોટું રોકાણ કરશે. હેતુ છે કે 2028 સુધીમાં લગભગ 20 લાખ લોકોને આ દવા ઉપલબ્ધ કરાવી શકાય, જેથી લાખો જીવ બચી શકે.
ક્લિનિકલ ટ્રાયલ્સમાં સાબિત થયું છે કે લેનાકાપાવિરનું વર્ષમાં બે વાર ઇન્જેક્શન લેવાથી એચઆઈવી ચેપ થવાથી લગભગ સંપૂર્ણ સુરક્ષા મળે છે. આ દવા માતાથી બાળકમાં એચઆઈવી સંક્રમણ અટકાવવામાં પણ મદદરૂપ થાય છે.
આ યોજનાને અમેરિકા પેપફાર (PEPFAR – પ્રેસિડન્ટ ઈમર્જન્સી પ્લાન ફોર એઇડ્સ રિલીફ) અને ગ્લોબલ ફંડ સાથે ભાગીદારીમાં અમલમાં મૂકશે. ગ્લોબલ ફંડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પીટર સેન્ડ્સે જણાવ્યું કે દર વર્ષે થતી 13 લાખ નવી એચઆઈવી ચેપની ઘટનાઓને આ દવા મોટા પ્રમાણમાં ઘટાડશે.
હાલમાં આ દવા મોંઘી છે, પરંતુ ગિલિયડ સાયન્સિસ (Gilead Sciences) કંપનીએ આ દવા નફા વિના ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. વધુમાં, 2027 સુધીમાં આ દવાની સસ્તી જનરિક આવૃત્તિ બજારમાં આવશે. આ વિકાસ એચઆઈવી/એડ્સથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં નવી આશા જગાવી રહ્યો છે.